મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના પ્રથમ મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય પ્રાપ્ત કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ.
મણકો – ૧ : મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય
મહાકાવ્ય ‘સાવિત્રી’ વિશે શ્રી અરવિંદ :
‘સાવિત્રી’ મહાકાવ્યમાં નિરૂપિત કથા અને તેમાં આવતાં ચાર પાત્રો સાવિત્રી, સત્યવાન, અશ્વપતિ અને દ્યુમત્સેન વિશે શ્રી અરવિંદે જણાવ્યું છે તેમ ‘સાવિત્રી’ મહાકાવ્યમાં નિરૂપિત કથા વૈદિકયુગની અનેક પ્રતીકરૂપ કથાઓમાંની એક છે.
અહીં સાવિત્રી સૂર્યની પુત્રી છે, એ શાશ્વત પ્રેમ અને ઐક્યના, પરમ પ્રકાશના સર્જનરૂપી સત્યની દેવી છે, એ પરમાત્માની દિવ્ય વાણી છે જે માનવ-આત્માને સત્ય, પ્રેમ અને પ્રેરણારૂપી મદદ આપવા માટે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે.
સત્યવાન માનવની પોતાની અંદર શાશ્વત પ્રેમ અને ઐક્યરૂપી પરમ-સતના દિવ્ય સત્યને ધારણ કરતો આત્મા છે. પરંતુ તેણે મૃત્યુ અને અવિદ્યાની પકડમાં રહેલી પૃથ્વી પર જન્મ ધારણ કરેલો છે.
સાવિત્રીનો માનવપિતા અશ્વપતિ (અશ્વોનો પતિ) તપસ્યારૂપી દિવ્ય-પ્રાણશક્તિ ધરાવતા અશ્વોનો પતિ છે એટલે કે આધ્યાત્મિક સાધના માટે એકાગ્ર બનેલી, સંગઠિત બનેલી શક્તિ છે. તે પ્રાણશક્તિ માનવને મર્ત્ય ભૂમિકાઓ પરથી અમરત્વની ભૂમિકાઓ ઉપર પહોંચવામાં મદદ કરે છે.
સત્યવાનનો માનવપિતા દ્યુમત્સેન દિવ્ય મનની પ્રકાશપુંજરૂપી સેનાનો પતિ છે, પણ અહીં પૃથ્વી પર આવીને અંધ બની ગયો છે, એટલે કે દિવ્ય દૃષ્ટિ અને દિવ્ય પ્રકાશથી સર્જી શકાતા પોતાના રાજ્યને તે પ્રાપ્ત કરી શક્યો નથી, આ અર્થમાં પોતાના રાજ્યને તેણે ગુમાવી દીધું છે.
શ્રી અરવિંદ કહે છે તેમ આ કથાનાં પાત્રો તે વ્યક્તિઓ રૂપે બનાવેલા માત્ર ગુણો નથી, તે માત્ર રૂપકો નથી પણ સજીવન અને સભાન શક્તિઓના અવતારો અને પ્રાદુર્ભાવો છે, તેઓ માનવશરીર ધારણ કરીને મનુષ્યને મદદ કરે છે તેઓની સાથે આપણે સઘન સ્પર્શમાં પણ આવી શકીએ છીએ.
આ સજીવન અને સભાન શક્તિઓના અવતારો અને પ્રાદુર્ભાવો આપણને માનવચેતના-અવસ્થામાંથી દિવ્યચેતનામાં અને એ રીતે અમર જીવનમાં પહોંચવાનો માર્ગ બતાવે છે.
મહર્ષિ–કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ પણ આ રીતે અભીપ્સુ ભાવકને સીમિત માનવચેતનાવસ્થામાંથી દિવ્યચેતનાવસ્થામાં અને એ રીતે અમર એવા શાશ્વત જીવનમાં પહોંચવાનો અને પ્રભુના દિવ્યજીવનના સર્જનકાર્યમાં સહયોગી બનવાનો માર્ગ બતાવે છે.
મહાકાવ્ય ‘સાવિત્રી’માં નિરૂપિત કથાનો ટૂંકો પરિચય :
સાવિત્રીની કથા મહાભારતના આરણ્યકપર્વમાં ૨૪૮મા અધ્યાયથી શરૂ થાય છે. મદ્ર દેશનો રાજા અશ્વપતિ સંતાન વગરનો હતો. સંતાનની પ્રાપ્તિને માટે એને તપસ્યા શરૂ કરી. ઉપવાસ અને બ્રહ્મચર્યનું પાલન કરી હજારો યજ્ઞ કર્યા. એ પ્રકારે ૧૮ વર્ષની તપસ્યાને પરિણામે સાવિત્રીદેવી પ્રસન્ન થયાં અને યજ્ઞની વેદીમાંથી પ્રત્યક્ષ થઈને તેને વરદાન માગવા માટે કહ્યું. સંતાનની માગણીના ઉત્તરમાં દેવીએ જણાવ્યું કે બ્રહ્મા એને પુત્ર આપશે અને પોતાના તરફથી, વિશિષ્ટ પ્રસાદ તરીકે એક પુત્રી થશે. સાવિત્રી દેવીની કૃપાને પરિણામે પુત્રીનો જન્મ થયો હોવાથી અશ્વપતિએ એને સાવિત્રી એવું નામ આપ્યું. બાલ્યાવસ્થા વટાવીને તેણે યૌવનમાં પ્રવેશ કર્યો ત્યારે એનાં માતાપિતાને એનો વિવાહ કરવામાં મુશ્કેલી નડી કારણ કે સાવિત્રીનું વ્યક્તિત્વ એવું જાજરમાન હતું કે કોઈ રાજકુમારે એની સાથે લગ્ન કરવાની માગણી કરી નહીં. અશ્વપતિએ સાવિત્રીને પોતાના જીવનસાથીની પસંદગી કરવા દેશાટન કરવા કહ્યું. બે વર્ષથી પણ વધારે સમય પછી જયારે સાવિત્રી દેશાટન કરી પાછી ફરી, ત્યારે તેણે કહ્યું કે રાજા દ્યુમ્તસેન તપોવનમાં આશ્રમ કરીને રહેતા રાજા દ્યુમ્તસેનના પુત્ર સત્યવાનની પસંદગી પોતે કરી છે.
સત્યવાનના પિતા દ્યુમ્તસેન અંધ થયા હોવાથી તેમના દુશ્મનોએ તેઓનું રાજ્ય પડાવી લીધું હતું. એવા પદભ્રષ્ટ રાજાનો કુમાર સત્યવાન બુદ્ધિશાળી, શૂરવીર, ઉદાર અને ક્ષમાવાન હતો. સાવિત્રીની માતાએ જયારે દેવર્ષિ નારદને સત્યવાન-સાવિત્રીના વિવાહ વિશે પૂછ્યું ત્યારે જ્યોતિષ વિદ્યાના જાણકાર નારદ મુનિએ જણાવ્યું કે સત્યવાન બધી રીતે લાયક યુવાન છે. એનું આયુષ્ય એક વર્ષનું છે, પછી તે મૃત્યુ પામશે. નારદની આવી કઠોર ભવિષ્યવાણી સાંભળ્યા છતાં સાવિત્રી પોતાના સંકલ્પમાં દૃઢ રહી. આખરે એનાં માતા-પિતાએ એની પસંદગીનો સ્વીકાર કર્યો અને સત્યવાન સાથે એનું લગ્ન થયું.
લગ્ન પછી તરત જ સાવિત્રી સત્યવાન રહેતો હતો એ આશ્રમમાં રહેવા ગઈ અને ત્યાંના સરળ અને શ્રમભર્યા જીવનનો સ્વીકાર કરીને દિવસો ગાળવા લાગી. જોકે એક ક્ષણ માટે પણ તે નારદની ભવિષ્યવાણી ભૂલી નહોતી. પોતાના જીવનની અત્યંત કટોકટીની ક્ષણ માટે તે પોતાની જાતને તૈયાર કરતી હતી. આયુષ્યના છેલ્લા દિવસે રોજના નિત્યક્રમ પ્રમાણે સત્યવાન જંગલમાં સમિધ લાવવા માટે જતો હતો ત્યારે સાવિત્રીએ પણ તેની સાથે જવાનો આગ્રહ કર્યો. તે દિવસે સત્યવાન એકલો જોખમ ખેડવાને જાય એ માટે સાવિત્રી રાજી ન હતી. ‘મારે જંગલ જોવું છે’ એવી આગ્રહપૂર્વક આજીજી કરીને સાવિત્રીએ સત્યવાન સાથે જવાની અનુમતિ સત્યવાનનાં માતા-પિતા પાસેથી મેળવી લીધી.
જંગલમાં એક જગ્યાએ અટકીને સત્યવાને સમિધ કાપવાની શરૂઆત કરી. એટલામાં એના માથામાં ખૂબ દર્દ ઊપડ્યું અને સાવિત્રીના ખોળામાં માથું મૂકીને તે આરામ થાય એની વાટ જોતો સૂતો. પણ થોડી વારમાં તે અચેતન થઈ ગયો. એ ક્ષણે સાવિત્રીએ યમરાજને પોતાની સામે ઊભેલા જોયા. સત્યવાનના જીવનનો સમય પૂરો થઈ ગયો હોવાથી એને લેવા પોતે આવ્યા છે એમ જણાવીને તેઓએ સત્યવાનના આત્માને પાશમાં લીધો. સાવિત્રી યમરાજાની પાછળ પાછળ ચાલવા માંડી. અહીં આ ક્ષણે યમરાજ સાથે સાવિત્રીનો સંવાદ થાય છે. યમરાજના પ્રશ્નોના જે ઉત્તરો સાવિત્રી આપે છે તેનાથી યમરાજે પ્રસન્ન થઈને એને સાત વરદાનો આપ્યાં, જેમાં છેલ્લે સત્યવાનના જીવનનું વરદાન આપ્યું. આ રીતે મૃત્યુ પર વિજય મેળવીને સાવિત્રી અને સત્યવાન તપોવનમાં પાછાં ફર્યાં. મહાભારતમાં નિરૂપિત વાર્તામાં ત્યાર પછી સત્યવાન પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવે છે અને નિર્વિઘ્નપણે પોતાનું રાજ ચલાવે છે એવી કથા છે. મૂળની આ વાર્તા ‘સાવિત્રી’ મહાકાવ્યમાં જેવી છે તેવી જ કાયમ રહે છે. પણ અહીં શ્રી અરવિંદે એનું એક જીવંત પ્રતીકમાં રૂપાંતર કર્યું છે.
મહાકાવ્ય ‘સાવિત્રી’નો વિસ્તૃત પરિચય :
‘સાવિત્રી’ આધુનિક કાળના મહાન ભારતીય દાર્શનિક-યોગી-કવિ શ્રી અરવિંદે અંગ્રેજી ભાષામાં બ્લૅન્ક વર્સમાં રચેલું મહાકાવ્ય (epic) છે. આ મહાકાવ્યનું ઉપશીર્ષક છે ‘a Legend and a Symbol’ (એક દંતકથા અને એક પ્રતીક). ૮૧૬ પાનાંનો ‘સાવિત્રી’ મહાકાવ્યનો ગ્રંથ શ્રી અરવિંદનું સૌથી ઉત્તમ કાવ્યસર્જન છે. ‘સાવિત્રી’ ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે. દરેક ખંડ પર્વોમાં અને દરેક પર્વ સર્ગોમાં વહેંચાયેલું છે. ‘સાવિત્રી’ મહાકાવ્યમાં કુલ બાર પર્વો અને ઓગણપચાસ સર્ગો છે. ૨૩,૮૧૩ પંક્તિઓમાં લખાયેલું આ મહાકાવ્ય અંગ્રેજી ભાષામાં રચાયેલું સૌથી લાંબું મહાકાવ્ય છે. એનો મુખ્ય વિષય છે મૃત્યુ ઉપરનો વિજય.
જેના પરથી શ્રી અરવિંદને ‘સાવિત્રી’ લખવાની પ્રેરણા મળી તે મહાભારતના વનપર્વના ‘સાવિત્રી ઉપાખ્યાન’(અધ્યાય ૨૯૧થી ૨૯૭)માં આવતી કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે : નિ:સંતાન મદ્રરાજ અશ્વપતિએ સંતાન માટે અઢાર વર્ષ તપ-યજ્ઞ કર્યાં. પ્રસન્ન થયેલી સાવિત્રીદેવીએ પોતાની વિશિષ્ટ કૃપાથી તેને ત્યાં પોતાના જ અંશમાંથી એક પુત્રી જન્મશે એવું તેને વરદાન દીધું. પરિણામે જન્મેલી પુત્રીનું નામ તેણે સાવિત્રી પાડ્યું. યુવાન થયેલી સાવિત્રીના અતિશય તેજસ્વી વ્યક્તિત્વને કારણે કોઈ પણ રાજકુમારે તેને પરણવાની હિંમત દાખવી નહિ. વર જાતે શોધી લેવાની પિતાની આજ્ઞા અનુસાર લાંબું પરિભ્રમણ કરીને પાછી ફરેલી સાવિત્રીએ પિતાને જણાવ્યું કે વનવાસ ભોગવી રહેલા દ્યુમત્સેન રાજાના રાજકુમાર સત્યવાનની પોતે પોતાના વર તરીકે પસંદગી કરી છે.
એક વર્ષ બાદ સત્યવાન મૃત્યુ પામશે એવી ત્યાં ઉપસ્થિત નારદની ભવિષ્યવાણી છતાં પોતાની પસંદગી પર અડગ સાવિત્રીનું માબાપની સંમતિથી સત્યવાન સાથે લગ્ન થાય છે. બરાબર એક વર્ષ પૂરું થતું હતું તે દિવસે યજ્ઞ માટે લાકડું કાપવા ગયેલો સત્યવાન માથું દુખવાની ફરિયાદ કરે છે, સાવિત્રી તેનું માથું પોતાના ખોળામાં લે છે, સત્યવાન ઊંઘી જાય છે, યમ આવે છે, સત્યવાનના જીવને ફાંસલામાં લઈને જવા માંડે છે. સાવિત્રી યમની પાછળ જાય છે, યમ સાથે સંવાદ કરે છે. તેની વાણીથી પ્રસન્ન થઈ યમ સત્યવાનને જીવતો કરે છે. નિયતિ અને મૃત્યુ પર વિજય મેળવી સાવિત્રી પાછી ફરે છે. સત્યવાન પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવી રાજ્ય કરે છે.
‘સાવિત્રી’માં આ પૌરાણિક કથાનો અંશ (કથાંશ) કવિએ લગભગ અકબંધ રહેવા દીધો છે; પરંતુ આખીય કથાને પ્રતીકમાં રૂપાંતરિત કરી દીધી છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘સાવિત્રી’ શબ્દના મૂળમાં सू = જન્મ આપવો, નિર્માણ કરવું એ અર્થનો ધાતુ છે. આમ સાવિત્રી પૃથ્વી ઉપર નવા અતિમનસ જગતનું સર્જન કરનારી દિવ્ય શક્તિનું પ્રતીક છે. ‘સત્યવાન’નો શાબ્દિક અર્થ છે ‘સત્યવાળો’. તે પોતાનામાં દિવ્ય સત્યને ધારણ કરતા; પરંતુ અજ્ઞાનમાં સપડાયેલા માનવ આત્માનું પ્રતીક છે. દ્યુમત્સેન, ‘પ્રકાશની સેનાનો પતિ’ એક દિવ્ય મન છે; પરંતુ અહીં તે આંધળું બની ગયું છે. તેણે પોતાના સ્વર્ગીય રાજ્યને સર્જવાની દૃષ્ટિ ગુમાવી છે. સંતાન માટે દીર્ઘ તપસ્યા કરતો અશ્વપતિ, ‘પ્રાણશક્તિનો સ્વામી’, અભીપ્સા સેવતા માનવ આત્માનું પ્રતીક છે, જે ઉત્ક્રાંતિનાં લાખો વર્ષોથી પોતાને વિશે, જગત વિશે અને પરમાત્મા વિશે શોધ ચલાવી રહ્યો છે. તે તપસ્યા દ્વારા માનવ ચેતનાની ગંભીરતમ ઊંડાઈઓ અને સર્વોચ્ચ ઊંચાઈઓએ પહોંચી તેની શક્યતાઓનું વિશાળ જ્ઞાન સંપાદિત કરે છે. તે અહીં પૃથ્વી ઉપર પૂર્ણતા સ્થાપવા માગે છે.
સાધના આગળ વધતાં અશ્વપતિને વિશ્વાતીત અનુભૂતિઓ થાય છે અને તે પરમાત્માની સર્જયિત્રી આદ્ય શક્તિ મા ભગવતીની સન્મુખ થાય છે. આધ્યાત્મિક સાધનાને અંતે તે આત્માના દિવ્ય જગતમાં પ્રવેશે છે; જ્યાં છે દિવ્ય સત્ય, જ્ઞાન, શક્તિ, ચેતના, આનંદ અને સંવાદિતા. તેને લાગે છે કે જો આ દિવ્ય સત્યને પૃથ્વી પર લાવી શકાય તો અહીં નવું દિવ્ય જીવન સર્જન થઈ શકે. મા ભગવતી તેને સીધી જ પ્રેરણા કરે છે કે અહીં પૃથ્વી ઉપર અંધકાર, દુ:ખ, તમસ અને મૃત્યુનાં બળોની સામે અને અજ્ઞાનની વચ્ચે દિવ્ય સત્યને લઈ આવવા માટે તું તારું તપ, તારી સાધના ચાલુ રાખ. તે તેને વચન આપે છે કે છેવટે પરમાત્માનો વિજય નિશ્ચિત છે. પરંતુ અશ્વપતિને લાગે છે કે જ્યાં સુધી મા ભગવતી પોતે પૃથ્વી પર અવતરણ ન કરે અથવા તો તેમનું પ્રતિનિધિત્વ કરતા તેમના અંશને માનવ-સ્વરૂપે પૃથ્વી પર ન મોકલે ત્યાં સુધી પૃથ્વી પર દિવ્ય સત્યને લાવી સ્થાપિત કરવું, માનવજીવનને દિવ્ય જીવનમાં પલટી નાખવું અશક્ય છે. માતાજી પરમ કૃપા કરી વરદાન આપે છે કે તેમની કૃપા પૃથ્વી પર માનવદેહે અવતરી આવિર્ભાવ પામશે.
આમ સાવિત્રીનો જન્મ થાય છે. ક્યાં સંતાન માટે તપ કરતો પૌરાણિક કથાનો અશ્વપતિ અને ક્યાં આ મહાકાવ્યનો અશ્વપતિ ! આ અશ્વપતિનું તપ માનવ-આત્માની અચેતનથી અતિચેતનની યાત્રાનું પ્રતીક બની ગયું છે, એક વિશાળ વૈશ્વિક અર્થથી સભર બની ગયું છે. અશ્વપતિનું તપ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પામતા માનવજાતના આત્માની અગ્નિપરીક્ષાઓ છે. તેની ઉપલબ્ધિઓ દિવ્ય સત્યની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરતી માનવજાતની ઉપલબ્ધિઓ છે.
પૌરાણિક કથાની સાવિત્રી માત્ર પ્રતિભાશાળી, શિક્ષિત-પ્રશિક્ષિત તેજસ્વિની યુવતી છે; જ્યારે આ મહાકાવ્યની સાવિત્રી પૃથ્વી પર અવતરેલી પરમાત્માની કૃપાનો આવિર્ભાવ છે. તે માનવજાતિનાં દુ:ખ અને અજ્ઞાનનો ભાર વેંઢારે છે, જેથી કરીને માનવ મૃત્યુ અને અંધકારનાં બળો પર વિજય હાંસલ કરી શકે. સત્યવાનનો જીવ લેવા આવેલા યમની સન્મુખ થઈ તે આ સિદ્ધ કરે છે. આ મહાકાવ્યમાં સાવિત્રી માત્ર માનવજાતના પ્રતિનિધિ રૂપે જ નહીં, પરંતુ મા ભગવતીની દેહધારિણી કૃપા રૂપે પણ આલેખાયેલી છે.
બીજી બાજુ યમની અવરોધ-વિરોધ કરતી વાણીમાં અવિદ્યા ઉપજાવી શકે તેવી બધી સૂક્ષ્મતા, મૌલિકતા, કુશળતા અને ચતુરાઈ છે. સમગ્ર સંવાદકાવ્ય પ્રતિભાજન્ય પ્રેરણાની બહુ ઊંચી ભૂમિકાએ ગતિ કરે છે. તેમાં વચ્ચે વચ્ચે દિવ્ય સત્યની અભિવ્યક્તિના તેજસ્વી ચમકારા અને મનની પેલે પારની ચેતનાના વીજઝબકારા દેખાય છે. આમ કવિએ એક પૌરાણિક કથાને માનવની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના અર્થથી સભર એક જબરજસ્ત ચેતનાકીય હકીકતમાં પલટી નાખી છે. આ જે રૂપાંતરકારિણી શક્તિ છે તે છે ઋષિ-કવિનું રસાયણ.
મૃત્યુ પરના વિજય પછીનાં સાવિત્રી-સત્યવાનના જીવનના આલેખનમાં પણ કવિની મૌલિક પ્રતિભા પ્રકાશે છે. પૌરાણિક કથામાં સત્યવાન, પિતાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવી વર્ષો સુધી રાજ્ય કરે છે; પરંતુ આ પ્રતીક-કાવ્યમાં તો સાવિત્રી-સત્યવાન યમના રાજ્યમાંથી ‘શાશ્વત દિવસ’ના રાજ્યમાં જાય છે જ્યાં સત્યનો સૂર્ય કદી આથમતો નથી, જ્યાં અજ્ઞાન અજ્ઞાત છે અને જ્યાં મૃત્યુને કોઈ સ્થાન નથી. આ સત્યલોકમાં રહ્યા પછી તેઓ પૃથ્વી પર પોતાનું દિવ્ય જીવનકાર્ય પાર પાડવા પાછાં આવે છે. તે કાર્ય છે નવીન અતિમાનવજાતિનું સર્જન. આમ મહાન ઋષિ-કવિના સર્જનાત્મક દર્શને પૌરાણિક કથાનું વૈશ્વિક પ્રતીકમાં રૂપાંતર સાધ્યું છે.
‘સાવિત્રી’નું વિષયવસ્તુ છે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પામતો માનવ અને તેની સમગ્ર પ્રકૃતિના દિવ્યીકરણરૂપ પ્રયોજન. ‘સાવિત્રી’માં સમસ્યા છે માનવીની અપૂર્ણતાની અને તેની પૂર્ણતા માટેની પ્યાસની, તેની તમોગ્રસ્તતામાંથી પ્રકાશ માટેની શોધની, તેની મર્ત્યતામાંથી અમરતા માટેની શોધની. તેનું એકમાત્ર નિરાકરણ છે મનુષ્યનો એવો આધ્યાત્મિક પુરુષાર્થ કે જેને મા ભગવતીની કૃપા પૃથ્વી પર અવતરીને સહાય કરતી હોય. અવતારના મહાન ભારતીય વિચારમાં કવિએ બે સાવ નવાં તત્ત્વો દાખલ કર્યાં છે : એક તો મા ભગવતી પહેલી વાર સાવિત્રીના સ્વરૂપમાં સ્ત્રી રૂપે અવતાર ધારણ કરે છે; બીજું, માનવજાતને બચાવવા માટે તે પોતાની પ્રકૃતિમાં માનવપ્રકૃતિ સાથે સંપૂર્ણ તાદાત્મ્ય અનુભવે છે. આ સંદર્ભમાં શ્રી અરવિંદના જીવનકાર્યનો વિચાર કરતાં તેમની જ પંક્તિઓનો ઉપયોગ કરી કહી શકાય :
“જે કો ચાહે ધરણી ઉપરે સ્વર્ગને લાવવાને,
તેણે જાતે ધરણી તણી માટી પરે આવવાનું,
પૃથ્વી કેરો મલિન પ્રકૃતિબોજ ઉઠાવવાનો,
કષ્ટેછાયો વિકટ પથ આ વિશ્વનો કાપવાનો.”
શ્રી અરવિંદે ‘સાવિત્રી’નું લગભગ બાર વાર સંમાર્જન કર્યું. તેઓ જેમ જેમ ઉચ્ચતર યૌગિક ચેતનામાં આરોહણ કરતા ગયા તેમ તેમ તે તે ભૂમિકાએથી તેમણે સાવિત્રીનું સંમાર્જન કર્યુ. પરિણામે ‘સાવિત્રી’ બની તેમની સર્વોત્કૃષ્ટ સાહિત્યકૃતિ. Matter shall reveal the Spirit’s face – જડપદાર્થ આત્માનું મુખ પ્રકટ કરશે – એ છે ‘સાવિત્રી’માં શ્રી અરવિંદનું આર્ષદર્શન, ‘સાવિત્રી’નો સંદેશ. જેને શ્રી અરવિંદે માનવની આત્માની ખોજ અને તેના ભાગ્યને એક પ્રતીકના રૂપમાં આલેખી રજૂ કરેલું છે. અહીં માનવ આત્મા સત્યવાન રૂપે વર્ણવેલ છે. આ બંધનમાં પડેલા આત્માને તેના અજ્ઞાન અને મૃત્યુના મુખમાંથી સાવિત્રી રૂપે પૃથ્વી પર અવતરેલ મા ભગવતી પોતાના પ્રેમ અને શક્તિ વડે મુક્ત કરે છે.
મહાભારતની મૂળ કથામાંના દેવર્ષિ નારદના પ્રસંગને કાવ્યમાં શ્રી અરવિંદે ખૂબ સુંદર રીતે પોતાના પ્રતીકને વધારે સ્પષ્ટપણે ઉપસાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. સમગ્ર માનવજાતિમાં વ્યાપક દુ:ખ, શોક, અસત્ય, આપત્તિ વગેરે અનિષ્ટ તત્ત્વો શા માટે અસ્તિત્વમાં છે અને ઈશ્વરના કૃપાળુ સ્વરૂપ સાથે એ કેવી રીતે બંધબેસતા છે એ બધા પ્રશ્નો આ મહાકાવ્યનાં અવિભાજ્ય અંગો તરીકે સ્થાન પામે છે. સાવિત્રી અહીં અવતાર તરીકેની પોતાની ભવ્યતા અને દિવ્યતા જાળવી રાખે છે. મહાભારતમાં સત્યવાનના મરણ પછી થયેલો સાવિત્રી અને યમરાજનો સંવાદ પ્રચલિત પરંપરા અને કેટલાંક સામાજિક મૂલ્યોનું નિવેદન માત્ર છે જયારે ‘સાવિત્રી’ મહાકાવ્યમાં આ આખોયે સંવાદ ઘણો જ વિસ્તૃત અને આધ્યાત્મિક પ્રેરણાની અતિ ઉચ્ચ ભૂમિકા પર ચાલે છે. એટલું જ નહિ પરંતુ સાવિત્રી જગદંબાનો અવતાર હોવાથી યમરાજ કરતાં પણ વધારે સમર્થ છે એ વાત સ્પષ્ટ રીતે તરી આવે છે. આ મહાકાવ્યમાં યમરાજે સત્યવાનને મુક્ત કરવાની શરત રૂપે સાવિત્રી જો કોઈ અવતારી મહાશક્તિ હોય તો તેનાં દર્શન કરાવવાની માગણી કરી હતી. સાવિત્રી ત્યારે જ પોતાનું મહાશક્તિ સ્વરૂપ પ્રગટ કરે છે.
નવયુગના આગમનની આલબેલ પોકારતો આ સંવાદ ચીલાચાલુ પરંપરાગત ધર્મો, ફિલસૂફીઓ વગેરેને વટાવીને નવયુગના એંધાણસ્વરૂપની યૌગિક અનુભૂતિઓથી સભર દિશાસૂચનો કરે છે, જે વિશ્વ સાહિત્ય, ફિલસૂફી તથા યોગમાં શ્રી અરવિંદનું આગવું અને અજોડ પ્રદાન છે. આ રસ તો કવિના મૂળ કાવ્યમાંથી જ માણવો રહ્યો. હકીકતમાં યમરાજની શક્તિ, જેમ પરશુરામની શક્તિ રામમાં સમાઈ ગયેલી તેમ, રૂપાંતરિત થઈને સાવિત્રીમાં સમાઈ જાય છે. સાવિત્રી-સત્યવાનનું જીવન-કાર્ય મૂળ કથામાં મહાભારતમાં છે તેના કરતાં અહીં જુદું પડે છે. પરમ સત્યમાં સ્થાપિત થઈને પૃથ્વી ઉપર સત્યલોકની જ્ઞાન જ્યોતિ, અમોઘ શક્તિ અને સ્વાભાવિક સંવાદિતા સ્થાપિત કરવાને તેઓ પ્રયત્ન કરે છે અને આમ આખી કથા આ મહાકાવ્યમાં પૂર્ણ રૂપાંતર પામી જાય છે અને અચિત્ (જડત્વ), અજ્ઞાન અને મૃત્યુ પરના વિજયનું એક જીવંત પ્રતીક બની રહે છે. પરાત્પર પરબ્રહ્મના જડતત્ત્વમાં ભૂસકો મારીને ઉત્ક્રાંતિ મારફત પુન: પોતાના સનાતન સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરી લેવાની આનંદયાત્રા અહીં નિરૂપણ પામી છે.
મૃત્યુ પરનો વિજય કે અમરત્વનો અર્થ શારીરિક ખોળિયાના કેદખાનામાં એક જ અવતારમાં બંધાઈ જવું એવો નથી. એનો અર્થ છે આપણી ચેતના તથા આપણો આત્મા જે અમર છે તેને પામવાનો છે અને માત્ર સપાટી પરના જીવનને જ વળગી રહેવાનું નથી. આપણો આ અંતરાત્મા તે ચેતના ઉત્ક્રાંતિમાં વિકસિત થતાં થતાં જન્મજન્માંતરમાં આપણી પરમ ચેતના સાથે યાત્રા કરે છે, જેનો હૃદયના ઊંડાણમાં તથા ઊર્ધ્વમાં સ્પર્શ થતાં જન્મ, જરા, રોગ, સડો તથા મૃત્યુ પોતાના દુ:ખ ખોઈ બેસે છે અને તે હંમેશને માટે દિવ્યજીવનનો સર્જક બની રહે છે. આ જ ખરું અમરત્વ છે, મૃત્યુને મારવાનો કીમિયો છે.
બારમા પર્વમાં સાવિત્રી અને સત્યવાન પૃથ્વી પર પાછાં ફરે છે ત્યારે સાવિત્રી સત્યવાનને કહે છે કે આપણે પ્રભુનાં દર્શન કર્યાં છે, તેમની સાથે તાદાત્મ્ય સાધ્યું છે અને આપણા મર્ત્ય જીવનમાં પ્રભુનો શો ઉદેશ્ય છે તે આપણે જાણ્યો છે અને છતાં માનવપ્રેમના આનંદમાંથી કશું ઓછું થયું નથી. દિવ્યતાનો સ્પર્શ પૃથ્વીની વસ્તુઓની ન્યૂનતા પૂરીને તેમને તેમનું સત્ય બહાર લાવી ચરિતાર્થ કરે છે, તેમનો ઇન્કાર કરતો નથી. જીવન પ્રભુ માટે લીલાનું અને રહેવાનું સ્થાન છે. એ પ્રભુ પશુ, પંખી અને માનવમાં પોતાની જાતને સંતાડે છે, જેથી કરીને પ્રેમ વડે ફરીથી તેઓ પ્રભુને શોધી કાઢે. સાવિત્રી સત્યવાનને આખરે જણાવે છે કે તેમણે માણસને સત્ય પ્રત્યે, પ્રભુ પ્રત્યે દોરવા માટે જન્મ લીધો છે. દ્યુમત્સેન પાછાં ફરેલાં સત્યવાન તથા સાવિત્રીને સત્કારતાં જણાવે છે “દેવતાઓ મારા પર પ્રસન્ન થયા છે. મને દિવ્ય દૃષ્ટિ પુન: પ્રાપ્ત થઈ છે અને રાજ્ય મને શોધતું પાછું આવી મળ્યું છે.” સત્કારવા આવેલા જૂથમાંથી ઋષિ જેવા એક પુરોહિતે સાવિત્રીને પ્રશ્ન કર્યો “સાવિત્રી, તારામાં એવો કયો પ્રકાશ આવ્યો છે, એવી કઈ શક્તિ પ્રગટ થઈ છે, જે અમારા માટે એક વધારે સુખી નવયુગનો આરંભ કરે છે?” સાવિત્રી જવાબ આપે છે :
“મારા હૈયાતણા હાર્દ પ્રતિ જાગૃતિ પામતાં
જણાયું કે પ્રેમની ને એકતાની અનુભૂતિ જ જિંદગી,
ને આપણા સોનેરી આ પરિવર્તનની મહીં
છે આ જાદુ પ્રવર્તતો, સત્ય સમસ્ત છે આ જ મુનિદેવ !
જાણું જે હું અને જેને પામવાને માટે પ્રયાસ હું કરું.”
“મારા હૃદયનો અર્થ મારામાં જાગ્રત થયો ત્યારથી મને જ્ઞાન થયું છે કે પ્રેમ અને એકતાનો અનુભવ કરવો એ જ જીવન છે; આપણા સુવર્ણમય રૂપાંતરનો એ જાદુ છે. એટલામાં હે ઋષિ, હું જાણું છું કે શોધું છું તે બધું સત્ય સમાઈ જાય છે.”
શ્રી અરવિંદે આ કાવ્ય પાછળ લગભગ પચાસ વર્ષ સુધી કાર્ય કર્યું છે. ‘સાવિત્રી’ વિશેના લખાયેલા એક પત્રમાં એમણે પોતે જ કહ્યું છે કે, “ મેં સાવિત્રીના માધ્યમ દ્વારા મારી સાધનાનું આરોહણ સાધ્યું છે. શરૂઆતમાં તો મેં એને માનસિક સ્તરે શરૂ કર્યું હતું, પરંતુ જેમ જેમ મારું આરોહણ ઉચ્ચતર સ્તરે ચડતું ગયું તેમ તેમ તે ઊંચાઈના સ્તર ઉપરથી તેને ફરી વાર લખ્યું છે…… હકીકતમાં હું ‘સાવિત્રી’ ને માત્ર એક વાર લખી નાખી અને સદાને માટે લખાઈ ગઈ હોય એવી કાવ્યરચના ગણતો નથી … પરંતુ હું એને એક પ્રયોગ-ક્ષેત્ર ગણું છું. જ્યાં કવિતા કવિની યૌગિક ચેતનાના વિકાસમાંથી અને વિકાસની ગતિએ જન્મ પામે-સર્જન પામે.”
મહાકાવ્ય સાવિત્રી વિશે શ્રી માતાજી :
એક સાધક સાથેના વાર્તાલાપમાં ‘સાવિત્રી’ મહાકાવ્ય વિશે શ્રી માતાજી જણાવે છે તેમ : જે માણસ પ્રભુને પંથે જવા માગે છે તેને માટે ‘સાવિત્રી’ એક સંગીન સહારો છે, જાણે કે પ્રભુ પોતે જ તમને તમારો હાથ ઝાલીને તમારે માટે નક્કી કરાયેલ ધ્યેય તરફ લઈ જાય છે. તમારો પ્રશ્ન ગમે તેટલો અંગત પ્રકારનો હોય, તે છતાંય તે માટેનો ઉત્તર ‘સાવિત્રી’માંથી મળી રહે છે. દરેક મુશ્કેલી સંદર્ભે એની ઉપર વિજય મેળવવાનો માર્ગ એમાં આલેખાયેલો છે. ખરેખર, પરમાત્મા સાથે પૂર્ણયોગ સાધવા માટે જે જે જરૂરનું છે તે તમામ એમાંથી મળી રહે છે.
‘સાવિત્રી’ એક આવિષ્કાર છે, એક ધ્યાન છે, સનાતન એવા અનંતની શોધ છે. અમૃતતત્ત્વની અભીપ્સા સાથે જો એ વાંચવામાં આવે તો ‘સાવિત્રી’નું વાચન પોતે જ અમૃતતત્ત્વની દિશામાં એક માર્ગદર્શકનું કાર્ય કરશે. ‘સાવિત્રી’નું નિયમિત પઠન સાચે જ યોગાભ્યાસ છે, આધ્યાત્મિક એકાગ્રતા છે. પરમાત્મા સાથે પૂર્ણયોગ સાધવા માટેના પ્રત્યેક પગથિયાનો એમાં ઉલ્લેખ થયેલો છે. બેશક, માણસ જો સાચા સહૃદયભાવથી અહીં જે પ્રગટ કરવામાં આવ્યું છે તેનું અનુસરણ કરે તો વિજ્ઞાનયોગ સુધીના દિવ્ય રૂપાંતરને પ્રાપ્ત કરી શકે છે.
‘સાવિત્રી’માં રહસ્યવાદ, ગુહ્યવિદ્યા, તત્ત્વજ્ઞાન, ઉત્ક્રાંતિ, પ્રકૃતિનો ઇતિહાસ એ સર્વનો સમાવેશ થયેલો છે. વિશ્વ શી રીતે અને શા માટે સર્જવામાં આવ્યું છે તેમજ તેનું ભાવિનિર્માણ શું છે, તે બધું જ એની અંદર છે. સકલ બ્રહ્માંડની રહસ્યમયતાઓનો મર્મ પામવાની ઇચ્છાવાળા અધ્યાત્મ અભીપ્સુઓએ ‘સાવિત્રી’ની પંક્તિઓની પાછળ છુપાયેલી રહસ્યમયતાને શોધી કાઢવા માટે આવશ્યક સત્ય-ચૈતન્યની અવસ્થાએ આરોહણ કરવાનું હોય છે. શ્રી અરવિંદે સત્યચેતનાને શોધી કાઢવા માટેની ચાવી આપી છે. માણસ અજ્ઞાનમાંથી પોતાને કેવી રીતે મુક્ત કરી શકે અને છેક પરમોચ્ચ ચૈતન્ય સુધી આરોહીને જઈ શકે તે માટેનો માર્ગ દર્શાવ્યો છે. ચેતનાની પ્રત્યેક અવસ્થા-ભૂમિકાએથી આરોહણ કરીને પરમોચ્ચ અવસ્થાએ કેવી રીતે જવાય એટલું જ નહીં મૃત્યુનો આડો અંતરાય પણ કેવી રીતે ઓળંગી જવાય અને અમૃતત્વે પહોંચાય તે સર્વ શ્રી અરવિંદે ‘સાવિત્રી’માં દર્શાવ્યું છે.
પણ આ બધું પામવા માટે માણસ પાસે ચૈતન્યની વિવિધ ભૂમિકાઓનો અનુભવ હોવો જોઈએ. અતિમનસચેતનાની ભૂમિકા અને મૃત્યુની પારની ભૂમિકાનો પણ અનુભવ હોવો જોઈએ. આ બધા શ્રી અરવિંદે પોતામાં જીવંત બનાવેલા અનુભવો છે. આધ્યાત્મિક ચેતનાની વાસ્તવિકતાઓ છે. આપણે જેમ હર્ષ અને શોકનો અનુભવ કરીએ છીએ તેમ એમણે સ્થૂળ શરીરમાં આ બધું અનુભવ્યું છે. અચિતના અંધકારમાં એ ચાલ્યા છે, નરકાયતનની યાતનાઓ પણ સહી છે. એ કીચડમાંથી બહાર નીકળ્યા છે, પૃથ્વીની પીડાઓ સહીને તેમાંથી પસાર થયા છે, પૂર્ણતાના શ્વાસોચ્છ્-વાસ લીધાં છે અને પરમાનંદની પરમ-ચેતનામાં પ્રવેશ કર્યો છે. એમણે આ બધા પ્રદેશોને પાર કર્યા છે, દુઃખ સહ્યું છે અને કલ્પ્યા ના જાય એવાં દેહનાં કષ્ટ વેઠ્યાં છે. દુઃખને પરમાત્મા સાથેની એકતાના આનંદમાં પલટો પમાડવા માટે એમણે દુઃખનો સ્વીકાર કર્યો છે.
‘સાવિત્રી’ છે દિવ્ય રૂપાંતર માટેનો પરમ-ચેતના સાથેનો એમનો પૂર્ણયોગ. આ અર્થમાં ‘સાવિત્રી’ને સમજવા-પચાવવા માટે માણસ પાસે આધ્યાત્મિક અનુભવોની આવશ્યકતા રહે છે. ‘સાવિત્રી’ને પામવાનો સીધેસીધો માર્ગ છે તે હૃદયનો માર્ગ. જે ભાવક સાચી અભીપ્સા સાથે, એકાગ્રતા સાધી, પાવનકારી જ્વાળા જગવી શકે તે જ ‘સાવિત્રી’ને પામી શકે. આધ્યાત્મિક સાધક ઊભી થયેલી મુશ્કેલી સામે શાંત અને સ્થિર રહે તેમજ કઈ દિશાએ આગળ વધવું કે અંતરાયોનો પરાભવ કેવી રીતે કરવો તેની સમજ ના પડે ત્યારે ‘સાવિત્રી’માંથી એને જરૂરી સૂચનો અને નક્કર પ્રકારની જરૂરી સહાય અવશ્ય મળી રહેશે. સાધક જો પૂરેપૂરો પ્રશાંત રહેશે, ખુલ્લો રહેશે, સાચા ભાવથી અભીપ્સા સેવશે તો જાણે કોઈ દિવ્ય શક્તિ તેનો હાથ ઝાલીને દોરી રહી હોય એવી દોરવણી એને ‘સાવિત્રી’માંથી મળશે. જે સાધકમાં આસ્થા હશે, દિવ્ય-ચેતનાને આત્મસમર્પણ કરવાનો સંકલ્પ હશે અને તેની સાથે મૂળભૂત સહૃદયતા હશે તે આ દિવ્ય-ચેતનાનું પોતાનામાં અવતરણ કરાવી શકશે. આમ ‘સાવિત્રી’ એ પરમ-ચેતનાને પ્રાપ્ત કરવાનો આધ્યાત્મિક માર્ગ છે, દિવ્ય સાધના-તપસ્યા છે, પરમાત્મા સાથેનો પૂર્ણયોગ છે.
મિત્રો, ‘સાવિત્રી’ સ્વાધ્યાયયજ્ઞશ્રેણીમાં આપણે ફરી મળીશું … ત્યાં સુધી આવજો …
સંદર્ભગ્રંથ
૧. ‘સાવિત્રી’ એક પુરાણકથા અને પ્રતીક : શ્રી અરવિંદ
અનુવાદક : પૂજાલાલ, સાવિત્રી પ્રકાશન, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી
૨. ’સાવિત્રી ગુંજન’ : શ્રી અંબાલાલ પુરાણી
શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ પ્રકાશન, વડોદરા
૩. ‘સાવિત્રીશબ્દામૃત-૧’ : શ્રદ્ધાવાન
ગુજરાતી ભાવાનુવાદ : કિરીટ ઠક્કર, યોગયુક્તા પ્રકાશન, વડોદરા
——————————–
દીપક પંડ્યા (તંત્રી – ‘ભાષા મારી ગુજરાતી’)
દિનાંક : ૨૩ માર્ચ, ૨૦૨૩; ગાંધીનગર
‘પંચવટી’, પ્લોટ નંબર:૧૦૦૦/૧, શ્રી હરિપાર્ક સોસાયટી, સેક્ટર:૨/ડી, ગાંધીનગર-૩૮૨૦૦૭
Mo.9427026979, email : [email protected]
Recent Comments