મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના બીજા મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’ના પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

મહાકાવ્ય ‘સાવિત્રી’ : પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ : ૧

‘સાવિત્રી’ મહાકાવ્યમાં કુલ બાર પર્વો છે. એમાં પ્રથમ પર્વ છે – The Book of Beginnings -પ્રારંભોનું પર્વ . પ્રથમ પર્વના પ્રથમ સર્ગનું શીર્ષક છે : પ્રતીકાત્મક ઉષા. આ સર્ગમાં ૧૦ પાનાં છે અને એમાં બે વિભાગ છે.

પ્રથમ વિભાગમાં ઉષાનું – દિવસના પ્રારંભનું વર્ણન છે, પરંતુ આ વર્ણન એ સૂર્યોદયનું સીધું-સાદું વર્ણનાત્મક ચિત્ર માત્ર નથી. અહીં કવિએ એને સ્થાને ચેતનાકીય પ્રક્રિયાના પ્રતીક રૂપે પ્રકાશના પ્રકટીકરણની વાત રજૂ કરી છે.

બીજા વિભાગમાં કવિ આપણને કાવ્યની નાયિકા સાવિત્રી સાથે પરિચય કરાવે છે – એ વિશિષ્ટ દિવસે સાવિત્રી જાગ્રત થાય છે તેનું વર્ણન કરીને. સાવિત્રી માટે એ દિવસ વિશિષ્ટ એટલા માટે હતો કે તેને એકલીને જ એ વાતની ખબર હતી કે એ દિવસે એના પતિ સત્યવાનનું મૃત્યુ થવાનું છે. આ રહસ્યનું ઉદ્ઘાટન કવિએ પ્રથમ સર્ગની છેલ્લી પંક્તિમાં કર્યું છે :

“હતો દિવસ આ નિશ્ચે મૃત્યુનો સત્યવાનના.”

‘સાવિત્રી’ મહાકાવ્યના પ્રથમ પર્વના પ્રથમ સર્ગની પ્રથમ પંક્તિ છે :

“જાગે છે દેવતાઓ તે પૂર્વેની એ ઘડી હતી.”

શ્રી અરવિંદે અહીં દેવતાઓ ‘જાગ્યાતા’ એવો શબ્દપ્રયોગ નથી કર્યો, કારણ કે તેઓ અહીં એક વખત ઘટી ગઈ હોય એવી ઘટનાનો ઉલ્લેખ કરતા નથી પણ જે ઘટના સાતત્યપૂર્વક વારંવાર ઘટતી રહે છે એ ઘટનાનો નિર્દેશ કરે છે. સત્યને આરાધનારા દેવતાઓ એવી શક્તિઓ છે જે સંવાદી કાર્યો કરતા રહે છે અને એને લઈને આ વિશ્વ એના પ્રગતિશીલ પથ પર આગળ વધતું રહે છે. પણ અસત્યને આરાધનારા દાનવો રાત્રીના સમયે દેવોની દૃષ્ટિને ધૂંધળી કરી નાખી, ચેતનાને નિદ્રામાં સરકાવી દઈને દેવોના કાર્યમાં ખલેલ પહોંચાડે છે. દરરોજ અંધારું થતાં દાનવો દેવોને એમનું કાર્ય કરતા રોકી દે છે, પરિણામે દેવો ભાન ભુલાવતી સુખનિદ્રામાં સરી જતા હોય છે.

પણ વળી પાછું પરોઢ થતાં દેવો પોતાનું કાર્ય કરવા લાગે છે અને એ રીતે પોતાના પ્રગતિસર્જક જીવનપ્રવાહને ચાલુ રાખે છે. પુરાણી માન્યતા મુજબ દેવોના આ જાગવાની ઘડીને ‘બ્રાહ્મમુહૂર્ત’ તરીકે ઓળખવામાં આવે છે. એ ઘડી છે મળસકે ચાર વાગ્યાનો સમય.

‘સાવિત્રી મહાકાવ્યના આરંભે જે ‘ઘડી’નું વર્ણન થયેલું છે તે ‘ઘડી એટલે કે ‘બ્રાહ્મમુહૂર્ત’ પૂર્વેનો સમય એટલે કે મળસકે ત્રણથી ચાર વાગ્યાનો સમય ગણી શકાય. આ ઘડી પૂરી થાય ત્યારે ‘દેવોનું જાગવું એ ‘દિવ્ય ઘટના ઘટે છે, જેનો ઉલ્લેખ બીજી પંક્તિમાં થયેલો છે :

“એકાકિની હતી રાત્રી શાશ્વતીના નિજાલયે,

તો દીપક કો’ તેમાં પ્રકટેલો પ્રકાશનો,

આગાહી આપતું ઘોર નિશાનું ભીમકાય ત્યાં

માનસ સ્તબ્ધ લંબાઈ કિનારી પર મૌનની

દિવ્ય એ ઘટનાકેરા માર્ગ આડે પડ્યું હતું.”

પ્રત્યેક રાત્રિએ ગાઢ અંધકારનો અલ્પકાલીન ખંડ, એટલે કે એક એવી કામચલાઉ અચિતની અવસ્થા આવતી હોય છે. અચિત એટલે ઈશ્વર નિર્મિત કૂખ, એ છે આપણું – આપણા વિશ્વનું ઉત્પત્તિ સ્થાન. અચિતના કાલખંડનો ગાઢ અંધકાર ધીરે ધીરે ઓસરતો જાય છે અને પછીથી આપણે જેને પ્રકાશની રાહ જોતી ચેતના, આછા થઈ રહેલા અંધકારની અવસ્થા કહી શકીએ એમાં પરિણમે છે. આ ઘટનાને શ્રી અરવિંદે આગળની પંક્તિ –

“અચિતને ચીડવ્યું એણે અવિદ્યાને જગાડવા”

– માં સંક્ષિપ્ત રીતે ઝીલી છે. આમ પ્રત્યેક રાત્રી પણ જગતના આરંભકાળની રાત્રિને રજૂ કરતું લઘુચિત્ર છે, જે અહીં પ્રતીકાત્મક રીતે રજૂ થયું છે.

આમ ‘સાવિત્રી’ મહાકાવ્યની પ્રથમ પંક્તિ –

“જાગે છે દેવતાઓ તે પૂર્વેની એ ઘડી હતી.”

– ના બે ભાગ વચ્ચે ભૂતકાળ અને વર્તમાનકાળનો જે તફાવત છે – ‘તે પૂર્વેની ઘડી હતી તથા ‘જાગે છે દેવતાઓ તે એ દર્શાવે છે કે કવિ આપણને પુનરાવૃત્તિ પામતી પ્રક્રિયામાંની એ ઘડીનો નિર્દેશ કરે છે જે ઘડી વારંવાર, ફરી ફરી આવતી રહે છે. ટૂંકમાં પ્રકાશની શક્તિ દરરોજ જાગ્રત થતી રહે છે એવો નિર્દેશ કવિ અહીં કરે છે. આમ શ્રી અરવિંદ પોતાના કાવ્યની શરૂઆત પ્રતીકાત્મક રીતે ઉષાના ઉદય પહેલાંની પ્રગાઢ અંધકારની ઘડીથી કરે છે.

 પછી શું થાય છે ? કવિ કહે છે :

“એકાકિની હતી રાત્રી શાશ્વતીના નિજાલયે,

તો દીપક કો’ તેમાં પ્રકટેલો પ્રકાશનો,

આગાહી આપતું ઘોર નિશાનું ભીમકાય ત્યાં

માનસ સ્તબ્ધ લંબાઈ કિનારી પર મૌનની

દિવ્ય એ ઘટનાકેરા માર્ગ આડે પડ્યું હતું.”

કોઈ વસ્તુ કે કોઈ ક્રિયા ‘દિવ્ય એ ઘટનાકેરા માર્ગ આડે’ પડી હતી. આ ‘દિવ્ય ઘટના છે દેવતાઓનું જાગવું. દેવતાઓ, જે પ્રકાશ અને પ્રગતિની વૈશ્વિક શક્તિઓ રૂપ છે એ શક્તિઓનું ઉદય પામવું. એ દિવ્ય ઘટનાની આડે આવે છે આગાહી આપતું ઘોર નિશાનું ભીમકાય માનસ. પરંતુ આ નિશા-રાત્રી સંપૂર્ણ નિદ્રાધીન નથી; એ સભાન રાત્રી છે. એ આગાહી આપે છે, એ અનુભવી રહી છે કે કંઈક ખોટું આવી રહ્યું છે – ખોટું એના એટલે કે રાત્રિના માટે. એને ‘જે ખોટું આવી રહ્યું છે’ એવું જે લાગે છે, તે છે ‘દિવ્ય ઘટના’નું આગમન, ઉષાનો ઉદય, દિવસનું આગમન, પ્રકાશ અને એની ગતિવિધિ સહિત જે દિવસ આવી રહ્યો છે તે. એ તો નિશ્ચિત છે કે ઉષારાણીના આગમન સાથે રાત્રિના સામ્રાજ્યનો અંત આવવાનો છે. કવિએ અહીં ઉષા અને રાત્રિને પ્રતીકાત્મક રીતે રજૂ કર્યાં છે. એ પછીની પંક્તિઓ છે :

“નિર્નેત્ર રાત્રિના ઘેરા ચિંતાલીન પ્રતીકની

ગંભીર ઘોર છાયામાં અશરીરી અનંતના

પારદર્શકતાહીન અભેદ્ય અંધ ગર્તનું

ભાન જોનારને હૈયે પ્રાયશઃ જાગતું હતું;

કો અગાધ મહાશૂન્ય વિશ્વે વ્યાપી ગયું હતું.”

અહીં રાત્રિની ઘેરી ચિંતાલીન ચેતના, આંખ પૂરેપૂરી બંધ નહિ, નિદ્રાધીન નહિ, પણ અમંગળના એંધાણના ચિંતનમાં ગરકાવ, એ રાત્રિની ચેતના પ્રકાશના પ્રકટીકરણનો, ઉષાના ઉદયનો, દેવતાઓના જાગવાનો ભય સેવી એ ઘટનાનો પ્રતિકાર કરી રહી છે. અહીં ‘ઘેરા ચિંતાલીન – રાત્રિની એ શક્તિ પાસે મન છે, પરંતુ એ મન પોતાની દર્શનશક્તિનો ઉપયોગ કરતું નથી. તે નેત્રહીન છે, તેમ છતાં એની અંદર એ ‘આગાહી થઈ રહી છે કે કંઈક ‘ઘોર પરિવર્તન’ આવી રહ્યું છે. આ અર્થમાં ‘નિર્નેત્ર રાત્રિ’નું એ અસ્પષ્ટ ચિંતન ઘેરું છે – એ અંધકારગ્રસ્ત છે, જે ‘અશરીરી અનંતના અંધ ગર્તનો અનુભવ કરાવે છે. ઉષાના આગમન પહેલાંની આ ‘ઘડી’માં એવો અનુભવ થાય છે કે કોઈ મહાશૂન્ય સમગ્ર જગત ઉપર જાણે આક્રમણ કરીને વિશ્વ સમગ્રને ભરી દે છે. આ અંધચેતના વિશે આગળની પંક્તિઓમાં શ્રી અરવિંદ વધુ સ્પષ્ટતા કરે છે :

“આદિમાં ને અંત્ય, એ બે અભાવાત્મકતા વચે

શક્તિ કો’ જાગેલી નિઃસીમ પતિતાત્માની,

પોતે જ્યાંથી હતી આવી

તે અંધારા ગર્ત કેરી સ્મૃતિને લાવતી મને,

ઉકેલ્યા ના જતા જન્મરૂપ ગૂઢ રહસ્યની

ને મર્ત્યતાતણી ધીરી પ્રક્રિયાની દિશામાં વેગળી વળી,

ને રિક્ત શૂન્યમાં અંત પોતાનો પામવા ચહ્યો.”

અહીં અંધમાં અંધ અભાનતામાં પણ એવું કંઈક હતું, જે પોતાના દિવ્ય આદિ સ્રોતની સ્મૃતિ સેવતું હતું. એની અંદર ભાવાત્મકતા પ્રત્યે જાગૃત થવાની ઝંખના હતી. પરંતુ અચિતની સર્વ પ્રબળ ટેવોને લઈને તે પાછું સ્વભાવગત અભાવાત્મકતા પ્રતિ વળી જતું હતું. એ કંઈક, જે ચેતનાની ઝાંખી અભિવ્યક્તિરૂપ હતું તેણે જાણે કે અભાવાત્મકતાની અંદર સભાનતા કેળવવાનો પ્રથમ પ્રયત્ન કર્યો. પરંતુ ‘સ્મૃતિને લાવતી મને – ‘પોતે જ્યાંથી હતી આવી, તે અંધારા ગર્ત કેરી – અચેતનતામાં પાછા સરી જવાની પ્રબળ વૃત્તિ એની અંદર સ્વભાવગત રહેતી હતી, જે મૃત્યુના આદિ કારણ સમાન હતી. આ ‘શક્તિ કો’ જાગેલી નિઃસીમ પતિતાત્માની’ – તે છે રાત્રિનું મન, જે પોતાના આદિ મૂળથી વિખૂટી પડીને અચેતનતામાં સરી પડ્યું છે. જેમ કે પ્રત્યેક સવારે આપણે જાગ્રત થઈએ છીએ ત્યારે એ જાગ્રત થયેલી ચેતના ફરી પાછી નિદ્રાધીન થવા માગતી હોય છે, એને થાય છે કે અંધકારની – અચિતની મૂળ અવસ્થામાં સરી જાઉં ! આવી અંધકારની ચેતનાને જન્મ, મરણ અને પુનર્જન્મની પ્રક્રિયા દ્વારા એની પોતાની ધીમી ચક્રાકાર ગતિમાં ચેતનાનું પ્રકટીકરણ, વિકાસ, પ્રગતિ વગેરે બહુ જ દુષ્કર લાગે છે, એથી એને માટે જીવન એક અકળ રહસ્ય બની રહે છે. એ ચેતના પોતે પોતાનો અંત ચહે છે – એ કાયમને માટે અચેતનતામાં – અસતમાં – અસ્તિત્વના અભાવમાં – રિક્ત શૂન્યમાં સદાને માટે લીન થઈ જવા માગે છે.

એટલે કે આ બે શક્તિઓ – એક ઘેરું રાત્રિનું મન, જે અમંગળની આશંકા કરે છે અને જે ઝંખે છે કે સર્વ કંઈ ફરીથી અભાવાત્મકતા અને રિક્તતામાં પાછું લીન થઈ જાય; અને બીજી શક્તિ તે ઉષાની શક્તિ – ‘સાવિત્રી’ જે નૂતન પ્રકાશ લાવનારી છે અને છેવટે ઊર્ધ્વ પ્રકાશના વિજયમાં પરિણમી પેલી રાત્રિના એ મનનું પણ રૂપાંતર કરી દેનારી છે. આ બે શક્તિઓ વચ્ચેનો સંગ્રામ એ જ આ કાવ્યનું ગહન વિષયવસ્તુ છે.

આ સંગ્રામ માટે જ ‘આગાહી આપતું ઘોર નિશાનું ભીમકાય માનસ કે જે ‘દિવ્ય એ ઘટના કેરા માર્ગ આડે પડ્યું હતું.’ એ પ્રસંગથી કાવ્યનો આરંભ થાય છે. અને આ જ છે ચેતનાના સાહસિક ઉત્ક્રમણની, સત-ચિત-આનંદના આવિર્ભાવની શરૂઆત. જયારે કાવ્ય પૂરું થાય છે ત્યારે એ ઘોર રાત્રિનું રૂપાંતર થઈ જાય છે. જુઓ કાવ્યની છેલ્લી પંક્તિઓ :

“…તેવે ત્યાં ચિંતને મગ્ન લીન સ્વપરિવેશમાં

રાત્રિએ ઊજળું રાજ્ય પોતાનું કબજે કર્યું,

રૂપેરી શાંતિમાં સ્વર્ગે સ્વપ્ન સેવંત ચંદ્રથી

દીપતી એ બની ગઈ,

રહસ્ય પૂર્ણ પોતાના સંપુટોમાં પ્રકાશના

સાચવી ગૂઢ રાખેલા એક વિચારની પરે

નિજ નિઃસ્તબ્ધતામાંથી એણે ચિંતન આદર્યું

અને સ્વ-હૃદયે પાળ્યું-પોષ્યું એક મહત્તર પ્રભાતને.”

આ રીતે કાવ્યના અંતે આરંભની રાત્રિની નિદ્રાધીન સંદિગ્ધ અચેતનતાનું રૂપેરી શાંતિના મહત્તર પ્રભાતમાં રૂપાંતર થાય છે.

મિત્રો, ઉપરોક્ત સંદર્ભને સ્મૃતિમાં રાખી હવે આપણે પ્રથમ સર્ગનું આગળ રસદર્શન કરીએ. હવે શ્રી અરવિંદ અહીં ઉષા પહેલાંની અંધકારની જે સ્થિતિનું વર્ણન કરે છે એ અંધકાર ભૌતિક વિશ્વની શરૂઆત થઈ તે સમયના અંધકાર જેવો જ છે :

“તમોલીન સમારંભે વસ્તુજાતતણા થતું

તેમ અજ્ઞાત કેરી કો’ એક મૂક

નિરાકાર છાયા સરૂપતા ભરી,

વિના ભાન ક્રિયા કેરી આવૃત્તિ કરતી સદા,

લંબાવતી જતી નિત્ય સંકલ્પ નવ દેખતો,

અજ્ઞાન શક્તિના વિશ્વવ્યાપી ધારણઘેનને

પારણામાં ઝૂલાવતી,

સર્જનાત્મક જે નિદ્રાવસ્થામાં ક્ષોભ જાગતાં

પ્રજવળી ઊઠતા સૂર્યો,

અને જેની સુપ્તજાગ્રત ઘૂમરી

વહેનારી બની જાય આપણાં જીવનોતણી.”

અહીં અચિતનું વર્ણન છે. શ્રી અરવિંદ જણાવે છે તેમ અચિત એટલે પરમ અતિચેતનનો પ્રક્ષેપ. અતિચેતનમાં જે ગુણો છે : ૧. સત એટલે કે અનંત અને કેવળ સ્વરૂપ ૨. ચિત એટલે કે ચેતનાશક્તિ અને ૩. આનંદ એટલે કે મુદા – આ ત્રણે તત્ત્વો સત, ચિત, આનંદ – એ અચિતમાં પણ છે . પરંતુ એ પ્રકાશમાન નહીં, અંધકારગ્રસ્ત છે. આપણા વિશ્વનો પ્રારંભ એમાંથી થાય છે – ‘અંધકારની અંદર છુપાયેલો અંધકાર’

            આ ‘તમોલીન સમ આરંભ’માં એકની એક ક્રિયા વારંવાર થતી રહે છે, એ છે ગોળગોળ ફરતી રહેતી ‘અજ્ઞાત કેરી નિરાકાર છાયા’ કે જે ‘લંબાવતી જતી નિત્ય સંકલ્પ નવ દેખતો – અંધ સંકલ્પને લંબાવ્યે જાય છે. એ અજ્ઞાત કેરી મૂક નિરાકાર છાયા અજ્ઞાનરૂપી શક્તિના વિશ્વવ્યાપી ધારણઘેનને પોતાની અંદર ધારણ કરી રાખે છે. એટલે કે જે પ્રકૃતિની શક્તિ, જે વિશ્વનું સર્જન કરે છે, એ જ જાણે નિદ્રાધીન છે, ધારણઘેનમાં ડૂબેલી છે, ‘અજ્ઞાત કેરી નિરાકાર છાયા’ના બાહુઓમાં ઝૂલી રહી છે. અને આ ‘અજ્ઞાત કેરી છાયા’એ જ આવિર્ભાવનો સંકલ્પ કર્યો. કારણ કે, શ્રી અરવિંદ કહે છે તેમ ભૌતિક પ્રકૃતિની નિદ્રા, એનું ધારણઘેન પણ સર્જનાત્મક છે. એણે અગણિત સૂર્યોને પ્રદીપ્ત કર્યા છે. એની વિશાળ ગતિવિધિમાં, એની ઘૂમરીઓમાં આપણાં સર્વના જીવનવિશ્વો, પૃથ્વીના આ નાના ગોળા ઉપર સર્જાતાં રહે છે.

       આપણા આ ભૌતિક વિશ્વની અભાન નિદ્રાચરણ સમ ઘૂમરીઓમાં સંપૂર્ણ જ્ઞાન નિમગ્ન દશામાં રહેલું હોય છે, એ જ્ઞાન અભાનાવસ્થામાં પણ પ્રત્યેક વસ્તુને એના યોગ્ય સ્થાને રાખે છે. આપણી મર્યાદિત મનોમય સભાનતા કરતાં કંઈક ગણી વધુ ગહન પ્રજ્ઞાપૂર્ણ ચેતના એમાં રહેલી હોય છે. શ્રી અરવિંદ જણાવે છે કે એ ચેતના પ્રથમ ઊર્જારૂપે કાર્યરત થાય છે, ચેતનારૂપે નહીં. અજ્ઞાતની એ મૂક નિરાકાર છાયા, જે એને ધારણ કરી રહી હોય છે, એ જ એનું રક્ષણ કરતી હોય છે, એનું પોષણ કરતી હોય છે.

હવે એ અવસ્થામાં શ્રી અરવિંદ કોઈ ઊર્ધ્વની શક્તિ પૃથ્વીનું પૂરેપૂરું ધ્યાન રાખતી નથી અને એને જાણે કે ત્યજી દેવામાં આવી છે એવા ભાવનું નિરૂપણ કરે છે :

“અવકાશતણી મોઘ મહાઘોર સમાધિ મધ્યમાં થઈ.

મન કે પ્રાણથી હીન એની રૂપરિક્ત તંદ્રામહીં થઈ,

આત્મરહિત પોલાણે છાયારૂપે ગોળ ને ગોળ ઘૂમતી,

ફેંકાયેલી ફરી પાછી સ્વપ્નોમાં ન વિચારતાં,

પોલા ઊંડાણમાં ત્યકત આત્માને ને ભાવિને નિજ વીસરી

ચકરાતી જતી ધરા.”

અહીં પૃથ્વી અવકાશ મધ્યે ઘૂમી રહી છે, એ જાણે જે અવકાશની ‘મોઘ મહાઘોર સમાધિ’ છે – એવું કંઈક જે નિરુપયોગી છે, એક પ્રકારની તંદ્રા છે, જેમાં કોઈ પ્રકારનું જીવન નથી, મન નથી, છે માત્ર આત્મરહિત પોલાણ. આ પોલાં ઊંડાણો મધ્યે, ખાલી અવકાશો મધ્યે  પૃથ્વી ગોળ અને ગોળ ફર્યા જ કરે છે. જાણે કે વિચારહીન સ્વપ્નાવસ્થામાં છે. એને પોતાના આત્માનું તથા પોતાના ભાવિનું વિસ્મરણ થયેલું છે. પૃથ્વી જાણે કે આ અવસ્થામાં ફેંકાયેલી છે – ‘પોલાં ઊંડાણોમાં ત્યકત’ – જાણે કે એનો ત્યાગ કરવામાં આવ્યો છે. શ્રી અરવિંદ જણાવે છે તેમ દેવતાઓ જ્યારે ઊંઘતા હોય છે, જ્યારે પૃથ્વીનું, એની ગતિનું ધ્યાન રાખનાર, એની કાળજી રાખનાર પ્રકાશની સભાન શક્તિઓ હાજર હોતી નથી ત્યારે જ પૃથ્વીની આ અવસ્થા થતી હોય છે. આ અવસ્થા સંદર્ભે કવિ વધુમાં વર્ણવે છે :

“સંજ્ઞારહિત આકાશો

ઉદાસીન હતાં ખાલી અને નિઃસ્તબ્ધતા ભર્યાં.”

એટલે કે કોઈ પ્રતિસાદ વિનાના, આકાશો ખાલી છે, નિઃસ્તબ્ધ – કારણ કે દેવતાઓ ઊંઘે છે. શ્રી અરવિંદ જણાવે છે તેમ એ રાત્રિમાં જે લીન થઈ ગયેલું તત્ત્વ છે, જે ઊંઘે છે તે, પૃથ્વીનો જે બીજો ગોળાર્ધ – જે પ્રકાશસભર છે, તેનો વિચાર કરી શકતું નથી; એ તત્ત્વ માટે પૃથ્વી જાણે કે ત્યજી દેવામાં આવેલ કોઈ રખડુ ન હોય !

અહીં શ્રી અરવિંદ એ દિવસની ઉષા – જે દિવસે સત્યવાનનું મૃત્યુ અવશ્ય થવાનું છે – એ પહેલાંના અંધકારનું વર્ણન કરે છે, એ અંધકારને શ્રી અરવિંદ અહીં પ્રતીકરૂપે રજૂ કરે છે, જે  માનવમનનાં, માનવહૃદયનાં, માનવઆત્માનાં સર્વ રૂપો અને ભાવોને જાગ્રત કરે છે. સાથે સાથે શ્રી અરવિંદ એક એવા અંધકારનું ચિત્ર ખડું કરે છે જે અંધકાર ઇતિહાસના સમગ્ર સમયગાળાઓ પર તેમ જ માનવજાતિના સામૂહિક જીવન ઉપર છવાઈ જાય છે. પણ એટલું નિશ્ચિત છે કે ઉષાનું આગમન – ‘દિવ્ય ઘટના’ – સમયની ધીમી પણ મક્કમ ગતિમાં થવાનું જ છે. હવે પછીની પંક્તિમાં કવિએ ઉષારાણીના આગમનની છડી પોકારી છે :

“પછી સળવળ્યું કંઈક અપ્રમેય તમિસ્રમાં”

એ અપ્રમેય, વાંચી ના શકાય એવા, અભેદ્ય અંધકારમાં પરિવર્તન થાય છે, કંઈક સળવળે છે. એ છે કોઈ ગતિ, નાની શી ક્રિયા, એક હલચલ. પ્રકાશના પ્રાકટ્ય પહેલાં હવામાં કોઈ હલનચલન, સળવળાટ, એક લહેર, કોઈ સુરખીનો અનુભવ થતો હોય છે જે પ્રકાશના પ્રથમ કિરણના આગમનની આગાહીરૂપ હોય છે. શ્રી અરવિંદ અહીં એ ગતિનું માનસશાસ્ત્રીય પરિમાણ રજૂ કરે છે :

“અનામી ગતિ કોઈક, અવિચારિત કલ્પ કો’,

આગ્રહી ને અસંતુષ્ટ, ઉદ્દેશ્ય વણનો વળી

અસ્તિત્ત્વ ઇચ્છતું કંઈક, કિંતુ કેવી રીતે તે ન જાણતું,

અચિતને ચીડવ્યું એણે અવિદ્યાને જગાડવા.”

હજુ કોઈ રૂપ ઘડાયું નથી, માત્ર એક ક્રિયા છે અંધકારમાં, એક નાની શી ગતિ – અનામી – જેને કોઈ નામ આપી શકાય નહીં. જેમ નાનું બાળક કંઈક ઝંખે છે, પોતે કંઈક બનવા માગે છે, થવા માંગે છે, પોતે પોતાની અભિવ્યક્તિ ઇચ્છે છે. પણ એ કઈ રીતે કરવું તે પોતે જાણતું નથી. આ છે અચિતના અંધકારમાં થતી ક્રિયા. એ ‘અવિચારિત કલ્પ’ અચિતને ચીડવે છે. જેમ કોઈ બાળકની સાથે આપણે રમત રમીએ છીએ, તેને ચીડવીએ છીએ કે જેથી તે પ્રતિસાદ આપવા પ્રેરાય. અહીં જે અનામી ગતિની વાત છે તે અચિતને ચીડવે છે, એને માટે મુશ્કેલી સર્જે છે, એને ગુસ્સો કરાવે છે, જેથી અવિદ્યાને તેની તંદ્રામાંથી જગાડી શકાય. અવિદ્યાની અવસ્થા – અજ્ઞાનની અવસ્થા એક એવી કંઈક અવસ્થા છે, જેને વિષે આપણે જાણવા માંગીએ છીએ પણ જાણી શકતા નથી, બેભાનાવસ્થામાં આવું હોતું નથી. પણ અહીં એક નાની શી ક્રિયા કોઈક વસ્તુને જગાડી રહી છે, જે છે અભીપ્સાનો આરંભ. 

શ્રી માતાજીએ કહે છે તેમ કવિએ અહીં અભીપ્સાના આરંભનું અદ્-ભુત વર્ણન કર્યું છે. અચિતમાં, અભાવાત્મકતામાં અભીપ્સાની પ્રથમ ક્રિયા કેવી રીતે સળવળી ઊઠી તેનું વર્ણન છે. મન ત્યાં હતું નહીં, એટલે કે વિચાર ત્યાં ન હતો. સંગઠિત પ્રાણશક્તિ પણ ત્યાં હતી નહીં, એટલે કે કઈ રીતે રૂપ ધારણ કરવું એની સમજ પણ ન હતી. એવી પરિસ્થિતિમાં પણ એ અભીપ્સા ધીમેથી સળવળી, અચિતને કંઈક વસ્તુ પ્રત્યે જગાડવા માટે. પણ એ કંઈક શું હતું ? એની તેને પોતાને પણ ખબર ન હતી. રૂપો અસ્તિત્ત્વમાં આવ્યાં તે અગાઉનું એ સૌ પ્રથમ આંદોલન હતું. એક અર્થમાં પોતા વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્યતા પરત્વેની અભીપ્સાની એ હતી એક શરૂઆત.

મિત્રો, ‘સાવિત્રી’ સ્વાધ્યાયયજ્ઞશ્રેણીમાં આપણે ફરી મળીશું … ત્યાં સુધી આવજો …

——————————-

સંદર્ભગ્રંથ

૧. ‘સાવિત્રી’ એક પુરાણકથા અને પ્રતીક : શ્રી અરવિંદ

    અનુવાદક : પૂજાલાલ, સાવિત્રી પ્રકાશન, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી

૨. ’સાવિત્રી ગુંજન’ : શ્રી અંબાલાલ પુરાણી

    શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ  પ્રકાશન, વડોદરા

૩. ‘સાવિત્રીશબ્દામૃત-૧’ : શ્રદ્ધાવાન

    ગુજરાતી ભાવાનુવાદ : કિરીટ ઠક્કર, યોગયુક્તા પ્રકાશન, વડોદરા

 ———————————————–

(દીપક પંડયા, ‘પંચવટી’, પ્લોટ નંબર : ૧૦૦૦/૧, શ્રી હરિપાર્ક સોસાયટી, સેક્ટર : ૨/ડી, ગાંધીનગર – ૩૮૨૦૦૧)