આત્મીય ભાષાસાધક મિત્રો,
નમસ્કાર.
૧૦ જાન્યુઆરીના દિવસે ભરૂચ નગરમાં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના ઉપક્રમે “નારાયણ વિદ્યાવિહાર”માં એક અત્યંત પ્રભાવી, અપ્રતિમ અને ભાવસભર કાર્યક્રમ યોજાઈ ગયો.
કલા, સંસ્કૃતિ અને સાહિત્યના ત્રિવેણીસંગમ જેવા આ કાર્યક્રમમાં હું – હર્ષદ શાહ અને આપણા ન્યાસના અધ્યક્ષ મહોદય શ્રી ભાગ્યેશભાઈ જ્હા ઉપસ્થિત રહ્યા હતા.
કોઈ પણ કાર્યક્રમ સાવ નવીન રીતે અને વિશેષ સંકલ્પના સાથે કરવાના સ્વભાવવાળા ડૉ. મહેશભાઈ ઠાકરે કાર્યક્રમને નવોન્મેષથી સજી દીધો હતો. નારાયણ વિદ્યાવિહારના નાનાથી મોટા બધા લોકો ઉત્સાહથી થનગનતા હતા. બધાએ આ કાર્યક્રમને કેવળ કાર્યક્રમ નહીં એક ઉત્સવ બનાવી દીધો હતો.
હું તો ત્યાં નવમીની સાંજે જ પહોંચી ગયો હતો. આઠેક વરિષ્ઠ મિત્રો સાથે બે કલાક અર્થપૂર્ણ સંવાદ સધાયો.
બીજે દિવસે ૧૦ મીની સવારે ૮.૩૦ થી ૯.૪૫ સુધી ધોરણ ૯ થી ૧૨ના ૬૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે હળવી વ્યાકરણ-ગોષ્ઠિ કરી. અત્યંત ઉત્સાહથી વિદ્યાર્થીઓ એમાં સહભાગી થયા.
બરાબર ૧૦.૨૦ વાગ્યે ૧૩૦ જેટલા ભરૂચ નગરનાં પ્રબુદ્ધજનની હાજરી સાથે કાર્યક્રમ શરૂ થયો.
વિદ્યાર્થીઓની કલાત્મક પ્રસ્તુતિ દ્વારા અમારું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એમના દ્વારા ગુજરાતી ભાષાના મહાન સારસ્વતોનાં પાત્રો જીવંત થયાં.
શિક્ષક ભાઈ-બહેનોના મધુર કંઠે ગુજરાતી પ્રાર્થના, ગીતો અને ગરબાની હેતભરી હેલી વરસી…સહુ તરબોળ થયા…તલ્લીન થયા.
મંચસજ્જા પણ કેટલી અદ્ભુત ! જાણે નજર સામે આખેઆખું ગુજરાત અને એની ભાતીગળ સંસ્કૃતિ સાકાર થઈ ગઈ !
આ બધું જોઈને હું અત્યંત સંવેદના અનુભવી રહ્યો હતો અને મારી આંખમાંથી હર્ષાશ્રુ રોકવા માટે પણ અસમર્થ હતો.
ખેર, મેં તો મારી શૈલીમાં માતૃભાષાનું મહિમાગાન કર્યું અને “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”નાં વિચાર, કાર્યશૈલી અને લક્ષ્ય વિશે વાત કરી…પણ આત્મીય ભાગ્યેશભાઈએ બધાને એમની પ્રભાવી અને રસસભર શૈલીમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાની અદ્ભુત પકડ સાથે માતૃભાષાનો મહિમા સમજાવ્યો.
સાડા બાર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં બધા ન્યાસના આ અનેરા કાર્ય સાથે જોડાવાના સંકલ્પ સાથે વિખરાયા.
બે કલાકથી વધુ ચાલેલા આ કાર્યક્રમને અથથી ઇતિ સુધી માણવા જેવો છે. એની લિંક તમને મોકલું છું. વધુમાં વધુ મિત્રો અને ભાવકો સુધી એને પહોંચાડજો.
કોઈ પણ કાર્યક્રમને સંપૂર્ણપણે સમયબદ્ધ, અનુશાસિત અને પ્રભાવી શી રીતે બનાવી શકાય તેનું આ ઉદાહરણ છે.
એનું ચિત્રમય દર્શન અને પ્રવચનોના અંશ એના વિગતવાર વૃત્ત પરથી માણી શકાશે.
ધન્યવાદ.
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
દિનાંક : ૧૧.૦૧.૨૦૨૩
બારડોલી.
Recent Comments