‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ દ્વારા આગામી સમયમાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોને આવરી લઈ રાજ્યનાં ૧૧ સ્થાનો પર “ગુજરાતી ભાષા-સાહિત્ય કેળવણીશિબિર”નું આયોજન થનાર છે.

દક્ષિણ ગુજરાતના છ જિલ્લા – સુરત મહાનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ – એમ છ એકમોનો એક પૂર્ણ દિવસીય શિબિર યોજાનાર છે. આ શિબિરના આયોજન માટે નવસારીમાં એક જ્ઞાનગોષ્ઠિ/આયોજનબેઠક ગઈ કાલે ૩૦ એપ્રિલ ૨૦૨૩ ને રવિવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન યોજાઈ ગઈ.

‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ આપણી માતૃભાષા ગુજરાતીને ગૌરવાન્વિત કરવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. આ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ આદરણીય શ્રી હર્ષદભાઈ શાહના અથાક અને અડગ પ્રયાસોના પરિપાક સ્વરૂપે નવસારી શહેરમાં પણ માતૃભાષાના ચાહકોને એક નેજા હેઠળ સંગઠિત કરીને ગુજરાતી ભાષાસજ્જતા, ભાષાસંરક્ષણ અને ભાષાસંવર્ધનના કાર્યને વેગવાન બનાવવા તારીખ ૩૦.૦૪.૨૦૨૩ ને રવિવારના રોજ એક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ બાળકોનાં શિક્ષણ અને સંગોપનની સાથે તેમને આત્મનિર્ભર બનાવવાનું ઉમદા કાર્ય કરવામાં અગ્રેસર શ્રી ચીમનલાલ લક્ષ્મીચંદ પરીખ ‘મમતા મંદિર’- શ્રી પ્ર. સ. કોઠારી બહેરા-મૂંગા વિવિધલક્ષી વિદ્યાલય, નવસારીના ઊર્જાવાન ભાવાવરણમાં આ ગોષ્ઠિ યોજવામાં આવી હતી. આ ગોષ્ઠિનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યાર બાદ પ્રતિષ્ઠાનના વિવિધ જિલ્લાના સંયોજકોનો પરિચય આપવામાં આવ્યો અને પોતાની કાર્યકુશળતા દૃઢ નિશ્ચય અને અથાગ પરિશ્રમ થકી માતૃભાષાના જતન સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રમાં स्वयमेव मृगेंद्रता ની જેમ અવિરત કાર્ય કરનારા આદરણીય શ્રી હર્ષદભાઈ શાહે ‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના ઉદ્દેશો, ગુજરાતી પ્રજાની અંગ્રેજી માધ્યમ પ્રત્યેની આંધળી ઘેલછા, ગુજરાતી ભાષાનું પ્રકૃતિનાં તત્ત્વો સાથેનું તાદાત્મ્ય, ગુજરાતીની અસ્મિતાને ધબકતી રાખનારા સારસ્વતોનું અનન્ય પ્રદાન વગેરે બિંદુઓ પર વિશદ છણાવટ કરી હતી.

આ ઉપરાંત ગુજરાતી ભાષાના ચાહકો સુધી પ્રત્યેક દિને આપણી ભવ્ય અને દિવ્ય માતૃભાષાના અમીછાંટણા પહોંચાડવાના હેતુસર વ્હોટ્સ ઍપના ૪૩ જૂથ કાર્યરત છે, જેમાં લગભગ ૫૦૦૦ જેટલા ભાષાપ્રેમીઓ જોડાયેલા છે. માતૃભાષાની અસ્મિતાને ધબકતી રાખવા માટેની ન્યાસની પુસ્તકનિર્માણ યોજના તેમજ ‘ભાષા મારી ગુજરાતી’ સામયિકની પૃષ્ઠભૂમિ પણ રજૂ કરવામાં આવી હતી.

આ બેઠકમાં આગામી ૨૯ જૂનને ગુરુવારના દિવસે આ શિબિર યોજવો એવું નક્કી કરવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતના ‘ગુજરાતી ભાષા-સાહિત્ય કેળવણીશિબિર’ના સફળ આયોજન માટેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વિવિધ જિલ્લાના ૮ સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ‘મમતામંદિર’ના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, લોકસંપર્ક અધિકારી, નવસારીનાં અગ્રગણ્ય વિદ્યાલયો અને મહાવિદ્યાલયોના આચાર્યો અને શિક્ષકો, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તેમજ શિક્ષક તાલીમ સંસ્થાના આચાર્ય અને પ્રાધ્યાપકો તેમજ શિક્ષણ સંસ્થાના પ્રમુખ અને વરિષ્ઠ પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહીને માતૃભાષા ગુજરાતીના આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે તત્પરતા દાખવી હતી.

આ કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકે શેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલની સાત વિદ્યાર્થિનીઓ સહિત કુલ ૪૫ લોકો હર્ષભેર જોડાયા હતા.

આગામી કેળવણીશિબિર આ જ સ્થાન પર યોજવા અને આવશ્યક બધી વ્યવસ્થા પૂરી પાડવા સંસ્થાના બધા પદાધિકારીઓએ હર્ષભેર નિમંત્રણ આપ્યું.

આ કાર્યક્રમના ઝીણવટભર્યા આયોજન માટે કુલ નવ વ્યક્તિઓની એક ટીમ બનાવવામાં આવી.

છેલ્લે શ્રી હર્ષદભાઈએ આભારદર્શન કર્યું અને કલ્યાણમંત્રના ગાન સાથે બેઠક પૂર્ણ થઈ.

બેઠકને અંતે ભોજનપ્રસાદની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.

એક અનેરા આનંદ અને ઉત્સાહ સાથે સૌ છૂટા પડ્યા.

વૃત્તલેખન :
———-
મનીષાબહેન ગોધાણી
સહસંયોજક
નવસારી જિલ્લો