૨૧મી ફ્રેબ્રુઆરી ’વિશ્વ માતૃભાષા દિવસ’ના ઉપલક્ષમાં ’ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી’ અને ’માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના સહિયારા ઉપક્રમે માતૃભાષા સજ્જતા,સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનારા લેખક,કવિ,વિદ્યાર્થી અને વિદ્યાલયને પુરસ્કારથી સન્માનિત કરવાનો સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ,માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહા અને જાણીતા કવિ શ્રી તુષાર શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં લેખક શ્રેણીમાં પ્રસિદ્ધ નવલકથાકાર શ્રી ધ્રુવ ભટ્ટ, કવિ શ્રેણીમાં શ્રી જિગરભાઈ જોષી, વિદ્યાર્થી શ્રેણીમાં કુમારી રાધા મહેતા અને વિદ્યાલય શ્રેણીમાં શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય, અંકલેશ્વરને પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.
’માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, મને વાસ્તવમાં આપ સૌનું સ્વાગત કરવાનું કહેવામાં આવ્યું છે,પરંતુ મારે કહેવું જોઈએ કે આપણે સૌ તો જાગૃત ભાષાસાધકો અહીં આપણી ભાષાપ્રીતિથી અહીં આવ્યાં છીએ,પરંતુ સ્વાગત ખરેખર આ ઉમદા વિચારનું થવું જોઈએ કે જેણે આવા ભાષાસાધકોને સન્માન અર્પીને માતૃભાષાના સન્માનનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. ત્યારબાદ તેમણે ’માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના ઉદ્ભવ,ઉદ્દેશ અને કાર્યસ્વરુપ વિશે પરિચય આપ્યો હતો.
’તત્ત્વમસિ’ અને ’અકૂપાર’ જેવી ઉત્કૃષ્ટ નવલકથાના લેખક શ્રી ધ્રુવ ભટ્ટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે-“ હું જે કાંઈ શીખ્યો છું તે લોકબોલીથી જ પામ્યો છું. માતૃભાષાને સંગોપિત કરીને જ્યાં સુધી છેવાડાનો માણસ બેઠો છે ત્યાં સુધી આ ભાષાને આંચ આવવાની નથી.
બાળકાવ્ય,જોડકણા અછાંદસ કવિતા, અને ગીતના રચનાકાર શ્રી જિગરભાઈ જોષીએ હર્ષ સાથે જણાવ્યું હતું કે, આ મારું સન્માન નથી,પરંતુ માતૃભાષાનું સન્માન છે અને ભાષાના જતનાર્થે અવિરત મારી ગતિ થતી રહેશે.
માત્ર ૩ વર્ષની ઉંમરથી મંચ પર ગુજરાતી ભાષામાં વક્તવ્ય આપવાની શરુઆત કરનારી કુમારી રાધા મહેતાએ ઉત્સાહભેર જણાવ્યું હતુ કે મારું શાળેય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માતૃભાષા ગુજરાતીમાં જ થયું છે,અને અત્યારે અનુસ્નાતક(સંસ્કૃત વિષય)માં સંસ્કૃત,મરાઠી,પ્રાકૃત અને ફ્રેંચ જેવી વિવિધ ભાષાઓ શીખવાનો મોકો મળ્યો છે, પરંતુ આ બધી જ ભાષામાં મારી સરળતા અને સહજતાથી ગતિ થઈ છે,તેનું એકમાત્ર કારણ મારી માતૃભાષા ગુજરાતી છે. અત્યાર સુધી તો મેં માત્ર મારી માતૃભાષા પાસેથી લીધે જ રાખ્યું છે, પરંતુ હવે માતૃભાષાનું ઋણ ફેડવાનો મારો વારો છે.
શ્રીમતી પી.ડી.શ્રોફ વિદ્યાલયનાં ન્યાસી શ્રી નારણભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે, અમારા વિદ્યાલયમાં કેન્દ્રસ્થાને વિદ્યાર્થી છે,ત્યારબાદ વાલી છે,પછી શિક્ષકો અને અમે ટ્રસ્ટીઓ તો છેક છેલ્લે છીએ. અમારા વિદ્યાલયમાં શિક્ષકોની વરણી તેમની ભાષાશુદ્ધિ અને સુંદર અક્ષરોના આધારે જ કરવામાં આવે છે. વિદ્યાલય શ્રેણીમાં એનાયત થતાં આ પુરસ્કારને તેઓએ વિદ્યાલયના શિક્ષકોને સમર્પિત કર્યો હતો.
કવિ શ્રી તુષાર શુક્લએ તેમની પ્રખર શૈલીમાં દરેક માતાઓને પોતાના બાળકને માતૃભાષા માધ્યમમાં જ ભણાવવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અવિસ્મરણીય સંધ્યાના સાક્ષી બનેલા લગભગ હજારેક ભાષાપ્રેમીઓએ આ પ્રસ્તાવને વધાવી લીધો હતો.
Recent Comments