તા.૨૯ મી જાન્યુઆરીના રોજ ગુજરાતી ભાષાસજ્જતા અંગેની કાર્યશાળા નવસારી મુકામે
શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં યોજવામાં આવી હતી. સવારે ૯:૦૦ વાગ્યે વિદ્યાલયના માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્યા ધર્મિષ્ઠાબહેન દ્વારા પ્રાર્થનાના પ્રારંભથી આ કાર્યશાળાના શ્રી ગણેશ થયાં હતાં. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ અને માતૃભાષાને ગૌરવવંતું સ્થાન અપાવવાની નેમ સાથે અવિરત સફળ પ્રયાસરત એવા આદરણીય શ્રી હર્ષદભાઈ શાહનો પરિચય આચાર્ય ફાલ્ગુનબહેન દેસાઈ દ્વારા આપવામાં આવ્યો હતો. બે સત્રમાં વિભાજિત આ કાર્યશાળામાં નીચે દર્શાવેલા વિષયો પર આ. હર્ષદભાઈ શાહે સરળ, સહજ અને સ્પષ્ટ શૈલીમાં રોચક રીતે સમજ આપી હતી :
- માતૃભાષાનું ગૌરવ શી રીતે કરવું ?
- સંસ્કાર, સંસ્કૃતિ અને માતૃભાષાનો સંબંધ
- ભાષા આપણી આરાધ્ય
- ગુજરાતી વર્ણમાળાનો વિશદ પરિચય
- સ્વર, વ્યંજન, જોડાક્ષર
- તત્સમ અને તદ્ભવ શબ્દોની ઓળખ
- શબ્દોના ધ્વનિઘટક
- વિભક્તિ
- વિશેષણ – વિકારી વિશેષણ
- જોડણીકોશનો ઉપયોગ કરવાનો પ્રત્યક્ષ અભ્યાસ
- સુન્દરમ્ રચિત અનુસ્વાર અષ્ટક દ્વારા અનુસ્વારના નિયમોની ઉદાહરણો સાથે સમજ –
અનુસ્વાર અને અનુનાસિક વ્યંજનની સંકલ્પના - વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી શી રીતે કરવી ?
- મુખપત્ર ‘ભાષા મારી ગુજરાતી’નો પરિચય
- માતૃભાષાના વ્યાકરણ અંગેનાં વિવિધ પુસ્તકોનો ટૂંકો પરિચય
- આગામી સમયના કાર્યક્રમો/પ્રવૃત્તિઓ વિશે માહિતી
આ ભાષાસાધનામાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, નવસારી જિલ્લાના બે સહસંયોજકો – શીતલબહેન અને મનીષાબહેન ગોધાણી તથા વિદ્યાભારતી વિદ્યાલયના આચાર્યો, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરાના પ્રાધ્યાપકો તથા પ્રશિક્ષણાર્થીઓ સહિત કુલ ૪૮ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments